ba

 

સ્વામિશ્રીજી

 

પ.પૂ.સોનાબાની ૧૬મી પૂણ્યતીથિ એ ભાવ વંદના (તા.૨૧/૧/૧૯૯૫)

 

બા આપનો મહિમા નેતિ નેતિ છે. આપે શાસ્ત્રીજી મહારાજને, યોગીજી મહારાજને ભગવાનના ભાવે સેવ્યા. કાકાશ્રી-પપ્પાજીની પણ એ જ ભાવે ભક્તિ કરી એ રૂપ બન્યાં. છતાંય સ્વામી

 

સેવક્ભાવ સર્વોત્તમ રહ્યો. બા એક આદર્શ સાધક, આદર્શ ગુરૂ, આદર્શ સ્વરૂપ તરીકે સમ્યક ર્દષ્ટિવાળા ને સર્વદેશીય મા તે મા . સર્વ પ્રત્યે વાત્સલ્ય પ્રેમ વરસાવ્યો. નિરપેક્ષભાવે સૌ ચૈતન્યોનું તન, મન, ધન, આત્માથી જતન કર્યા જ કર્યું.

યોગી પરિવારના સર્વે વર્ષોથી સંતો, બહેનો, ભાઇઓ અને ગૃહસ્થ મુક્તસમાજે તેમનો મીઠો મધુરો પ્રેમનો આસ્વાદ માણ્યો છે. પછી તે ભલે સંસ્થાના હોય કે નવા સત્સંગી હોય પણ બાને મન તો મારા સ્વામીનો તે મારો…એની સેવામાં એટલો જ ફુલારો..હોમાઇ જવાની જ ભાવના, જબરજસ્ત નિર્દોષબુધ્ધિ ને દિવ્યભાવે સેવા કરીને એક આદર્શ જીવન જીવી સૌના જીવમાં સ્થાન પ્રાપ્ત કર્યું. એવાં જંગમતીર્થ સ્વરૂપ સોનાબા !

 

યોગીજી મહારાજના આદેશથી કાકાજી પપ્પાજીએ સંતો, બહેનો, યુવકોનું ભગીરથ કાર્ય ઉપાડ્યું. એમાં પણ બા પૂરેપૂરાં સમર્પિત થઇ ગયાં. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ કે નિર્ગુણ સ્વામી મુંબઇ પધારે ત્યારે આફ્રિકાના પરદેશના હરિભક્તો દર્શન સમાગમનો લાભ લેવા પધારે એ બધાની સેવા તારદેવના મુક્તો હરખભેર કરે. બાનું ઘર એટલે મુક્તમંદિર સમાન ! એમાંય કોઇપણ ભક્તો બિમાર પડે તે દવા કે આરામ કરવાનો હોય તો બાપા તારદેવ જ મોકલે ને બધા તારદેવ ૮ C માં બા ને ઘરે જ રહે. ને બા બધી જ પ્રકારની માવજત ને ભરપૂર પ્રીતીથી માહાત્મ્યના ધોધમાં તરબતર કરે. જેણે જેણે આ સ્વાદ માણ્યો છે. તેના ચૈતન્યમાં ઉંડે ઉંડે પણ આ બા ની ભક્તિ-સ્મૃતિ જન્મોજન્મ અમર રહેશે. બા નું ઋણ ક્યારેય ભૂલાશે નહીં.

 

હે ચૈતન્ય મા ! ઓ વ્હાલી બા…. પ્રેમ નીતરતી મા ! તારા હૈયામાં તે સહુને સમાવ્યા, કર્યું જતન, દિનરાત કરી ભેળા ભક્તોના સુખે સુખી, દુઃખે દુઃખી થયા, સેવાની તક ઝડપી તેના યોગ ક્ષેમના જામીન બન્યા. બા આખાય ગુણાતીત સમાજમાં સૌનાય આત્મીય બન્યાં. તારદેવ સોનાવાલામાં અક્ષરધામના તખત સમા તીર્થધામમાં સોનાનો સૂરજ ઉગ્યો ને આજે સર્વત્ર જગમાં એ દિવ્ય પ્રકાશ પથરાઇ રહ્યો છે. અત્યારે ગુણાતીતબાગ ફૂલ્યો ફાલ્યો ચારેય બાજુ છે. તેમાં બા નો ફાળો ર્દશ્યમાન થાય છે. એમની શૂરતા ને નિષ્ઠાના જોમે આજે આ ગુણાતીત જ્યોત અસ્તિત્વમાં આવી. તેમના કૃતનિશ્ર્ચયી બે બોલ જે અંતરથી સર્યા ને યોગીબાપાએ ઉંચકીને વિદ્યાનગર જ્યોતમાં લાવીને મૂકી દીધાં, તે પ્રતાપ આપણા વ્હાલા સોનાબાનો છે. ગુણાતીત સ્વરૂપ બા નો વિજય છે. બાએ ખરેખર દિલથી કાકાજી-પપ્પાજીને સેવ્યા, આપણને ઓળખાવ્યા. અક્ષરધામની આ દિવ્ય ત્રિપુટી કાકા, પપ્પા, બા ! આપણને મળ્યા ! માણ્યા ! ધન્ય થઇ ગયા !

 

હે બા ! અમે સૌએ આપના આત્મીયભાવ ને માહાત્મ્યભાવને જીવનભર પ્રમાણ્યો છે, અનુભવ્યો છે. આપની પરાભક્તિ ને દેહાતીત અવસ્થાને નજરોનજર અમે જોઇ છે. આપનો સુહ્દભાવ આજે પણ ચિરંજીવ છે. બા બહેનોના દિવ્ય સમાજના સર્જનમાં ખપી ગયા. નારી ચેતના જાગ્રત થઇ. ગૃહસ્થોના સુખ દુઃખના સાથી બન્યાં. ભાઇઓ માટે પ્રત્યેક પળે પ્રાર્થના કરી ચૈતન્યમયી બા બની ગયાં. તો હે આનંદમયી મા ! અમને તમારા જેવું પ્રેમાળ હૈયું આપો. તમારા જેવી વિશાળતા આપો. બા આજે સદેહે નથી, પણ દિવ્ય દેહે આપણામાં આત્મસ્વરૂપે પ્રગટ છે, નિત્ય પ્રગટ રહેશે. અમે સહુ સંપ, સુહ્દભાવ, એકતા રાખી આપની પ્રસન્નતા પ્રાપ્ત કરીએ. આત્મીય સેવક બની આપની કૂખ દીપાવવાની ખાત્રી આપીએ છીએ.

 

હે કરૂણામયી મા ! ધન્ય છે આપની ભક્તિ-પરાભક્તિને ! આપ આત્મજનની છો ! એનો અનુભવ આજે પણ જીવંત સ્મૃતિ સ્વરૂપે અમારા રોમરોમમાં ચિરંજીવ છે. બ્રહ્મસૂત્ર – રોજ અડધો કલાક પોતાનું ભજન કરી લેવું. આ જીવનમંત્ર અમારામાં આત્મસાત્ કરી વિચાર, વાણી, વર્તનથી આપને અમ હ્દયે અમર રાખીએ, એ જ અંતરની પ્રાર્થના. હે બા ! પપ્પાજીના પરાભક્તિ પર્વે અમે યાચીએ છીએ કે અમ રોમરોમમાં પ્રભુને પ્રગટાવીએ તેવા આશિષ વરસાવો એ જ આપના પુનિત ચરણે પાયલાગણ સહ ભાવાંજલિ અર્પીએ છીએ. હે બા ! આપે અમ જીવનમાં ખૂબ ખૂબ ભક્તિ અર્પી. અમે અડધો કલાક પોતાનું ભજન હરહંમેશ કરી શકીએ એવું અપાર અપાર બળ આપશો. આ સ્મૃતિ સહ અમે ગુરૂહરિ પપ્પાજીના સાંનિધ્યે એક દિવસ “હે સોનાબા ! પ્રત્યક્ષ થાજો આત્મમાં અહો, બુધ્ધિમાં અહો, મનમાં અહો….” ભજન ગાઇ રહ્યાં હતાં એમાં પંક્તિ આવી કે વૃતિ મનની અખંડ હો…

 

આ સાંભળી ગુરૂહરિ પપ્પાજી કહે એટલે શું? પછી સ્વયં ઉત્તર આપતાં બોલ્યા કે, “બા ની અખંડ વૃત્તિ પ્રભુ તરફ”, બા એ શાસ્ત્રીજી મહારાજને ભગવાન માન્યા, એમના અભિપ્રાયમાં તન, મન, ધન આત્માથી સંપૂર્ણપણે જોડાયા. શાસ્ત્રીજી મહારાજે મંદિરો બંધાવવાનું કાર્ય કર્યું તો તેમાં પણ બાએ પૂરતો છૂપો સાથ આપ્યો. આપણે સહુ આ પ્રસંગ જાણીએ છીએ કે, બાના દીકરા કાંતિભાઇ ૧૨ વર્ષના હતા. ત્યારથી તેના ખીસ્સામાં બા સેવાની રકમ મૂકી દેતાં. અને આ કાંતિ શાસ્ત્રીજી મહારાજ પાસે પહોંચી જાય. અંર્તયામી શાસ્ત્રીજી મહારાજ તેના ખીસ્સામાંથી બા ની સેવા ગ્રહણ કરી લે. આવી આવી તો બાએ કેટલી ગુપ્ત સેવા કરી છે. એટલું જ નહીં, કાંતિભાઇના પિતાશ્રી પાસે પણ મંદિરની જાળી કરાવીને શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, નિર્ગુણ સ્વામીનો રાજીપો તેમણે પ્રાપ્ત કર્યો છે. બાએ શાસ્ત્રીજી મહારાજ ને એવા વશ કર્યા હતા કે તુલસીદાદાની સર્વિસની જ્યાં જ્યાં બદલી થાય ત્યાં શાસ્ત્રીજી મહારાજ બાને ઘરે દર્શન સુખ આપવા પધાર્યા જ હોય. એવી પ્રેમાળ મૂર્તિ સોનાબાને શત શત પ્રણામ !! બાનું આખુંય કુટુંબ મહારાજના વખતનું જ….આજે સર્વે પ્રભુભક્તિ કરી એક ભગવાન રાખી ભગવાન આપી રહ્યાં છે. ગુણાતીત સમાજમાં પ્રભુએ જેને જ્યાં રાખ્યા છે ત્યાં તેઓ ભક્તિમાં ગુલતાન છે. આમ, બાનો આધ્યાત્મિક વારસો જાળવી ઉત્તમ પ્રાપ્તિ કરી રહ્યાં છે.

 

આજે તો હેમંતભાઇ મર્ચન્ટ પવઇ રચિત ભજનની પંક્તિ યાદ કર્યા વિના કેમ ચાલે ?

“જ્યાં જ્યાં મહાતમ હ્દયે છલકે, તારાં દર્શન થાયે હે બા…..

જ્યાં જ્યાં ધૂપસળીઓ પ્રજળે, યાદ તારી મહેંકતી હે બા………

કાંતિ, તારા ને જ્યોતિ જેવા (૨) હો..ઓ…..

મુક્તો સમ રત્નોની જનેતા, તારા અમિયલ આશિષ ભજનથી, ખીલતો રાખ્યો ગુણાતીત ચમન બા

વંદન અમારા તુજને હે બા ! ના વિસરાયે હે વ્હાલી બા

જ્યાં જ્યાં માહાત્મ્ય કુસુમો ખીલતા

સૌરભા તારી રેલાતી બા……..

તો હે પપ્પાજી ! હે બા ! અમારી આ પ્રાર્થના સ્વીકારી ધન્ય કરશો….જય સ્વામિનારાયણ

 

એ જ શ્રી ગુણાતીત જ્યોતના ભૂલકાંઓ વતી જ્યોત સેવક P. ના જય સ્વામિનારાયણ.

© gunatitjyot.org | Mobile version | Sitemap | Login

We have 120 guests and no members online