01 to 15 Sep 2017 - Newsletter

GKP 8232

 

સ્વામિશ્રીજી

 

ગુરૂહરિ પપ્પાજી મહારાજની જય

 

કાકાજી-પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ !

 

ઓહોહો ! સપ્ટેમ્બર મહીનો તો ગુરૂહરિ પપ્પાજીનો પ્રાગટ્યદિન લઈને આજે આપણે અહીં ૧ થી ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૭

 

 

દરમિયાન જ્યોતમાં, જ્યોતશાખામાં તથા જ્યોત પરિવારના મંડળોમાં ઉજવાયેલ ૧લી સપ્ટેમ્બરની સ્મૃતિને માણીશું.

 

 

(૧) તા.૧/૯/૧૭ ગુરૂહરિ પપ્પાજી પ્રાગટ્ય દિન

 

ગુરૂહરિ પપ્પાજીનો ૧૦૧મો પ્રાગટ્યદિન તો વરસાદ લઈને ઉમંગભેર આવ્યો છે. અગાઉ આ પત્રિકામાં જાહેર આમંત્રણ ૧લી

સપ્ટેમ્બરના સમૈયાનું અપાયું હતું. શનિ-રવિ રજાઓના દિવસો રાખેલા જેથી સર્વે બહુધા ભક્તો પધારી શકે. ઑગષ્ટ મહિનાના અંતમાં ભારે વરસાદની આગાહી હતી. પ.પૂ.જ્યોતિબેન ત્યારે મુંબઈ બિરાજમાન હતાં. તત્કાળ નિર્ણય કરનારા પ.પૂ.જ્યોતિબેન અને બોરીવલીના મોટેરાં ભાઈઓને મળી ૧લી સપ્ટેમ્બરના શુભદિને સાંજે સમગ્ર મુંબઈ મંડળ માટે ગુણાતીત સમાજલક્ષી સમૈયાનું આયોજન કરી દીધું. તેવું જ ઠેર ઠેર ૧લી સપ્ટેમ્બરની ઉજવણી થઈ તે ઝલકને માણીએ.

 

મુંબઈ – તા.૧/૯/૧૭ ગુરૂહરિ પપ્પાજી મહારાજના ૧૦૧મા પ્રાગટ્યદિનની ઉજવણી વિશ્વકર્મા વાડી, વિલેપાર્લે, મુંબઈમાં ભાઈઓ-બહેનોની સંયુક્ત સભામાં સાંજે થઈ હતી. પ.પૂ.જ્યોતિબેનના સાંનિધ્યમાં તથા પૂ.ડૉ.નિલમબેન, પૂ.ભારતીબેન મોદી અને પૂ.માધુરીબેન (પવઈ) તેમજ ગુણાતીત જ્યોત તથા પવઈ મંડળના અન્ય સંત બહેનો સભામાં પધાર્યા હતાં.

પૂ.સુરેશભાઈ ગાંધી, પૂ.નંદુભાઈ, પૂ.પ્રવિણભાઈ, પૂ.મહેન્દ્રબાપુ, પૂ.રાજુભાઈ ઠક્કર તથા અન્ય ગુણાતીત સમાજના મુક્તોએ હાજરી આપી હતી.

 

મુંબઈ ખાતે પ્રથમવાર આ રીતે ગુરૂહરિ પપ્પાજી મહારાજના પ્રાગટ્યની ઉજવણી કરવામાં આવી હતી. આશરે ૨૫૦ થી ૩૦૦ હરિભક્તોએ લાભ લીધો હતો. સર્વે મુક્તો ખૂબ રાજી થયા, પપ્પાજીમય રહ્યા અને અવનવી સ્મતિનું ભાથું બંધાઇ ગયું હતું.

 

 

સુરત – ભાઈઓની સભામાં ગુરૂહરિ પપ્પાજી મહારાજનો ૧૦૧મો પ્રાગટ્યદિન ખૂબ ભક્તિમય આનંદથી ઉજવાયો હતો. ગુરૂહરિ પપ્પાજી હંમેશા એડવાન્સ હોય છે. સુરતના ભાઈઓએ આ સમૈયાનો પ્રારંભ તા.૨૭/૮/૧૭ના રવિવારે કર્યો. તે સ્મૃતિને માણીએ.

 

ગુરૂહરિ પપ્પાજી મહારાજનો ૧૦૧મો પ્રાગટ્યદિન સુરતમાં ‘ગુણાતીત ધામ’ ખાતે ઉજવાયો. પૂ.દિલીપભાઈ લંડન અને પ્રકાશ સ્વરૂપો પૂ.વિરેનભાઈ, પૂ.સુરેશભાઈ ગાંધી, પૂ.ઈલેશભાઈ તથા પૂ.પિયૂષભાઈના સાંનિધ્યે રવિવાર તા. ૨૮-૮-૧૭ના રોજ રાત્રે ૮ થી ૧૧ સુધી ખૂબ ભક્તિભાવ, માહાત્મ્ય અને આનંદોલ્લાસ સહિત ઉજવાયો. ૧૩૫થી પણ વધુ મુક્તો સહભાગી બન્યા હતાં. કાર્યક્રમની શરૂઆત ધૂન, ભજન અને આવાહનથી થઈ. આ અણમોલ પ્રસંગે ગુરૂહરિ પરનું સ્પેશ્યલ અને વિશિષ્ટ ભજન – “સૌ આનંદો…પપ્પાજીનો…” પૂ.અંકિતભાઈ ઓઝરકરના કંઠે એ ભજન ગવાયું. સૌ તેમાં ભક્તિમય બન્યા અને એ જ ભજનના તાલે ગુરૂહરિ પ.પૂ.પપ્પાજી મહારાજનું બે નાના ભૂલકાંઓ દ્વારા ગુણાતીત ધામના હૉલમાં સ્વાગત થયું અને ત્યાંજ એમના પૂજન અને હાર અર્પણ થયા.

 

ત્યારબાદ યુવકોએ સ્વયં ભક્તિભાવથી બનાવેલા વિશિષ્ટ પાંચ બુકે જે પહેલેથી જ ઠાકોરજી સમક્ષ અર્પણ થયેલા હતા તે પાંચેય મોટેરાં ભાઈઓને પાંચ પરમહંસ ભાઈઓએ એક સાથે અર્પણ કર્યા. સૌ પ્રથમ પ્રકાશ સ્વરૂપ પૂ.સુરેશભાઈએ ત્યારબાદ પૂ.દિલીપભાઈએ ગુરૂહરિ પપ્પાજી મહારાજના મહાત્મ્યના અદ્દભૂત દર્શન અને માર્ગદર્શન આપ્યા. પછી પૂ.વિરેનભાઈએ અને પૂ.ઈલેશભાઈએ તો ભજન સુરાવલી સાથે માહાત્મ્ય લાભ આપ્યો. છેલ્લે પૂ.પિયૂષભાઈએ...એમ પાંચેય મોટેરાં ભાઈઓના મુખે ગુરૂહરિ પપ્પાજી મહારાજના માહાત્મ્યે ભીંજાયા. સુરતના નિષ્ઠાવાન મુક્તોના જીવન અનુભવોનું લખાણ જે “જ્યોત સમાજ-સુરત” વૉટ્સ એપમાં રેગ્યુલર મૂકાયા હોય તેની એક નાની બુક સૌ ને મનન-ચિંતન માટે ‘જીવન યાત્રા પ્રભુ સંગે” નામની તૈયાર કરી હતી. તેનું અનાવરણ પૂ.દિલીપભાઈના હસ્તે થયું. ત્યારબાદ ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા. નસીબવંતા સહુ અક્ષરમુક્તો માટે એક લક્કી ડ્રો રાખ્યો હતો.

 

જેમાં પાંચેય મોટેરાં ભાઈઓ વારાફરતી લક્કી નંબરની કુપન લઈને નામ ડીકલેર કરે તેમને પ્રસાદ સ્મૃતિભેટ અર્પણ થયા. જેના નામ આવ્યા એ સહુ મુક્તો ખૂબ રાજી થયા. તેમાં માહાત્મ્ય, નિર્દોષભાવ અને ભક્તિનો વિજય થયો. તેના દર્શન સૌને થયા. અને છેલ્લે ૧૦૧ નંબરની કુપનના લક્કી ડ્રો દ્વારા વિજેતાનો પોતાનો સંકલ્પ પૂર્ણ થયો તેનાં દર્શન થયા. પરમહંસ યુવકોએ ડેકોરેશન પણ ખૂબ ભક્તિભાવથી તૈયાર કર્યું હતું. અંતે સૌએ ખૂબ ખૂબ આનંદ, માહાત્મ્ય અને સભરતા સભરતા સાથે આઈસ્ક્રીમનો પ્રસાદ ગ્રહણ કર્યો અને ગુરૂહરિની સ્મૃતિથી ભર્યા ભર્યા વિદાય થયા.

 

 

સુરત જ્યોતના મહિલા મંડળના મુક્તો પૂ.મીનાબેન દોશી, પૂ.જશુબેન મોદી અને પૂ.અનિલાબેનના સાંનિધ્યે ગુરૂહરિ પપ્પાજી મહારાજના પ્રાગટ્યદિનની ઉજવણી શતાબ્દી મહોત્સવની સ્મૃતિ સાથે ગુલાબી યુનિફોર્મ સાડી તથા મહાપૂજાની મરૂન સાડી ધારણ કરીને સંપ, સુહ્રદભાવ, એકતાથી ઉજવણી કરી હતી.

 

 

હાલોલ મંડળના મુક્તોએ ગુરૂહરિ પપ્પાજી મહારાજના પ્રાગટ્ય પર્વની ઉજવણી ખૂબ ઉમંગ અને માહાત્મ્યથી કરી હતી. નાનાં ભૂલકાંઓને ગુરૂહરિ પપ્પાજીના વસ્ત્રો ધારણ કરાવીને અનોખી રીતે, ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ કરી હતી. વળી, પ.પૂ.દીદીની તબિયત હમણાં નરમ-ગરમ રહેતી હોવાથી આજથી તા.૧૨/૯ સુધી સાંજે ૧ કલાકની સમૂહ ધૂન્ય હાલોલના ઘર મંદિરે જ્યાં ગુરૂહરિ પપ્પાજીના હસ્તે મંદિરની સ્થાપના, પ્રાણપ્રતિષ્ઠા થયેલ છે. તે મંદિરે ભેગા થઈને સમૂહ ધૂન્ય કરી હતી. પ્રાર્થના અને ધૂન્યથી સર્વકાર્ય પાર પાડવાની જડીબુટ્ટી ગુરૂહરિ પપ્પાજીએ અને પ.પૂ.દીદીએ આપી છે. તે વાપરી સૌ સુખિયા થઈ રહ્યા છે.

 

 

માણાવદર ભાભી મંડળની સભામાં જ્યોતના ઠાકોરજી સમક્ષ પૂ.ધર્મિષ્ઠાબેને ગુરૂહરિ પપ્પાજીનો પ્રાગટ્યદિન ઉજવાયો હતો. કેક અર્પણ કરી હતી. ભક્તોને અલ્પાહાર જમાડી આનંદથી ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિમાં રાખ્યા હતા.

 

 

રાજકોટમાં પૂ.વનીબેન ડઢાણિયાએ મહિલા મંડળની સભામાં ગુરૂહરિ પપ્પાજીનો પ્રાગટ્યદિન તા.૧/૯ અને ૨/૯ બે દિવસ ઉજવણી કરી હતી. તા.૧/૯ના ભૂલકાંઓએ ફુગ્ગાનું ડેકોરેશન કર્યું હતું. ગુરૂહરિ પપ્પાજીને કેક ધરાવી સાક્ષાત્ બિરાજમાન હોય તેવી અનુભૂતિ સાથે ઉજવણી થઈ હતી. તથા ૨/૯ના એકાદશી હતી. દર એકાદશીએ ભાભીઓની સભા થાય છે. તે સભા ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્યદિન નિમિત્તે કરી હતી. અને સર્વે મુક્તોને ફરાળી ભેળ બનાવીને જમાડી હતી. આમ, પ્રભુ પ્રાગટ્યનો આનંદ નાના-મોટા સહુએ માણ્યો હતો.

 

 

અમદાવાદ જ્યોતમાં જ્યોતના ભૂલકાંઓએ પૂ.ઈન્દુબાના દિવ્ય સાંનિધ્યે ગુરૂહરિ પપ્પાજીને કેક અર્પણ કરીને ગુરૂહરિ પપ્પાજી અને પૂ.ઈન્દુબા સાક્ષાત્ બિરાજમાન હોય તેવી અનુભૂતિ સાથે ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્યનો આનંદ તા.૧/૯ના રોજ માણ્યો હતો.

 

 

લંડનમંડળે ભેગા મળી તા.૩/૯ના રવિવારે વાયનર્સ સ્કૂલના હૉલમાં રાખી ખૂબ ભવ્ય રીતે ગુરૂહરિ પપ્પાજીનો ૧૦૧મા પ્રાગટ્યપર્વની ઉજવણી કરી હતી. પૂ.શોભનાબેન, પૂ.દિલીપભાઈ ભોજાણી, પૂ.વિઠ્ઠલાણી સાહેબ અને પૂ.અરૂણાબેનના સાંનિધ્યે સંયુક્ત સભામાં ઉજવણી કરી હતી. આ ઈંગ્લેન્ડ મંડળે ગુરૂહરિ પપ્પાજીનો ખૂબ લાભ લીધો છે. વળી, પ્રાર્થના-ભજનથી અનુભવો કર્યા છે. ગુરૂહરિ પપ્પાજીને ઓળખ્યા છે. તે બધી સ્મૃતિનો ભંડોળ આવા સમૈયામાં ગોષ્ટિરૂપે ભેગા મળી વાગોળી બ્રહ્માનંદ માણી રહ્યા છે. એવા અનુભવી સ્વરૂપો મુક્તોએ આજની સભામાં લાભ આપ્યો હતો. પૂ.શોભનાબેન, પૂ.અરૂણાબેન, પૂ.વર્ષાબેન વિસાણી, પૂ.જયશ્રીબેન વાઘેલા, પૂ.ઈલાબેન વાઘેલા, પૂ.કલુબેન વિસાણી, પૂ.હીનાબેન ભરાણીયા, પૂ.દિલીપભાઈ ભોજાણી, પૂ.સુનિલભાઈ ગાંધી, પૂ.વિઠ્ઠલાણી સાહેબ વગેરેના મુખે ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ અને અનુભૂતિની સચોટ વાતથી હાજર સર્વે મુક્તોએ ખરા બ્રહ્માનંદની અનુભૂતિ કરી હતી.

 

પૂ.દિલીપભાઈ, પૂ.અરૂણાબેન ૧૯-૨૦ ઑગષ્ટ પ.પૂ.દીદીનો સમૈયો ગુરૂવંદના મહોત્સવ ઉજવવા ભારત આવેલા. પૂ.દિલીપભાઈએ સુરત મંડળના ભાઈઓ સાથે ગુરૂહરિ પપ્પાજીનો પ્રાગટ્યદિન અગાઉ ઉજવી પાછા ઈંગ્લેન્ડ જઈ ત્યાં તા.૩/૯ના ઉજવણી કરી. આમ, ભારતમાં અને લંડનમાં બંને જગ્યાએ હાજર રહી વાતાવરણ ભર્યું ભર્યું કરી દીધું હતું.

 

 

વિદ્યાનગર ખાતે ઠેર ઠેર ઉજવણીની સ્મૃતિ માણીએ.

ગુરૂહરિ પપ્પાજીનો સમૈયો રવિવારે તા.૩/૯ના જાહેર રીતે હતો. પરંતુ ૧લી સપ્ટેમ્બરે જ્યોત-પ્રભુકૃપા-બ્રહ્મવિહાર અને શાશ્વતધામે ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્યદિનના દર્શનનો જે માહોલ હતો. તે અદ્દભૂત હતો.

 

આજે સવારે ૮ થી ૯.૩૦ જ્યોતના સાધક બહેનો માટેનો વિશેષ ભક્તોનો કાર્યક્ર્મ હતો. અક્ષરકુટિરના દર્શન કરી, ગુરૂહરિ પપ્પાજીના ચરણાર્વિંદને ૧૦૧મા પ્રાગટ્યપર્વે પગે લાગવાની જે વચન સ્મૃતિ ગુરૂહરિની હતી. તે મુજબ પ્રાર્થના સાથે જીવનનું સરવૈયું કાઢી, અંતઃર્દષ્ટિ સાથે ગુરૂહરિ પપ્પાજીની પ્રસાદીની પગથી પર ૭ પ્રદક્ષિણા ધૂન્ય કરતાં કરતાં બધા બહેનોએ કરી હતી.

 

પ્રભુકૃપામાં સુંદર સુશોભન પૂ.જીતુકાકા અને પ્રભુકૃપા મંડળના મુક્તો દર પ્રસંગે વિધવિધ રીતે કરે છે તેમ આ પ્રસંગે પણ પવિત્ર શ્રીફળના વસ્ત્રોમાંથી ગુરૂહરિ પપ્પાજીના વસ્ત્રો બનાવડાવી ધારણ કરાવેલા. મંત્રની માળા અને મંત્રનું સુશોભન હતું. વળી, ગુરૂહરિ પપ્પાજી પ્રાગટ્ય સમયે ૫.૦૦ વાગ્યે પ્રભુકૃપામાં અન્નકૂટ આરતી (૧૦૧ દીવાની) -થાળ અને કેક કર્તનનો કાર્યક્રમ દર વર્ષે રાખે છે તે મુજબ આજે પણ રાખ્યો હતો. પહેલાં બહેનોએ લાભ લીધો હતો. ત્યારબાદ ભાઈઓએ થાળ-આરતીનો લાભ લીધો હતો. અને દર ૧લી તારીખની કીર્તન આરાધના રાત્રે હોવાથી તે પહેલા મહાપ્રસાદની સાથે ભીની આઈટમનો અન્નકૂટનો પ્રસાદ લીધો હતો. દરેક કુટુંબ દીઠ અન્નકૂટ પ્રસાદ નવા વર્ષની જેમ સર્વ ભક્તોને પ્રાપ્ત થયો હતો. આ રીતે ૧લી સપ્ટેમ્બર એટલે આપણા માટે નવું વર્ષ છે ! ખરૂંને !

 

દર મહિનાની ૧લી તારીખે ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ સહ જ્યોતમાં રાત્રે ૮.૦૦ થી ૧૦.૦૦ કીર્તન આરાધનાનો સંયુક્ત કાર્યક્રમ હોય છે. આજે તો ઓહો ! ૧લી સપ્ટેમ્બર ઓરીજીનલ દિવસ હોવાથી આજની કીર્તન આરાધના ખૂબ વિશેષ ભક્તિભાવ સાથે થઈ હતી. પહેલાં પરમ સૂર વૃંદના બહેનોએ વાજીંત્રો સાથે હ્રદય સ્પર્શી ભજન ગાયાં હતાં અને પછી પૂ.ઈલેશભાઈ એન્ડ પાર્ટીના ભાઈઓએ પણ વાજીંત્રો સાથે બુલંદ અવાજે ભજન ગાઈને સહુનાં હૈયાં ભક્તિભાવે નાચી ઉઠે તેવું વાતાવરણ ખડું થઈ ગયું હતું. વળી, ભજનની સાથે સાથે હૉલમાં ટી.વી પર અત્યાર સુધી ગુરૂહરિના પ્રત્યક્ષ સાંનિધ્યે ઉજવાયેલ ૧લી સપ્ટેમ્બરનું સ્મૃતિ દર્શન ચાલતું હતું.

 

 

ગુરૂહરિ પપ્પાજી ‘પપ્પાજી હૉલ’ ના સ્ટેજ પર મધ્યમાં બિરાજમાન હતા. તે મૂર્તિ સ્વરૂપે નહીં પરંતુ સાક્ષાત્ સાકાર પધારી દર્શન આપી રહ્યા હોય તેવું સુખ, શાતા અને સ્મૃતિ સાથે સાંનિધ્ય અનુભવાતું હતું. અંતમાં પ.પૂ.જશુબેનના આશીર્વાદ લીધા હતા. જેમાં ગુરૂહરિને પપ્પાજીના પ્રાગટ્યની કૃપાની વાત મહિમા સાથે કરી હતી કે, ઓહોહો ! આપણે ખૂબ ખૂબ નસીબદાર ! ગુરૂહરિ પપ્પાજીની કેવળ કૃપા તેમાં આપણે ફાવી ગયા. પરબ્રહ્મ તત્ત્વ પૃથ્વી પર સંબંધવાળા બધાને પોતાના જેવા સુખીયા કરવા પૃથ્વી પર પધારે છે. પપ્પાજી કેવળ કૃપામાં આપણને પ્રભુ સ્વરૂપે ઓળખાયા ! મફતમાં અક્ષરધામ આપી દીધું. આ પ્રાપ્તિ હોય નહીં એવી પ્રાપ્તિને પામેલા હીરેહીરા અહીં બેઠા છે. બસ બધામાં મહારાજ જોઈ સેવા કરી લઈએ. એમને રાજી રાજી કરી લઈએ. એ જન્મોજન્મ આપણી સાથે રહે.

 

‘શાશ્વત ધામ’ પપ્પાજી તીર્થ પર પણ ખૂબ સુંદર પવિત્ર દર્શનનો મહોલ હતો. સમાધિએ સુશોભિત રીતે મઘમઘતા તાજાં પુષ્પો ચડાવેલ હતાં. તથા ગુરૂહરિ પપ્પાજીની આરસની મૂર્તિ પાછળ સુંદર પ્રકાશિત ચક્ર અને ચરણમાં પુષ્પોની ચાદર જાણે બિછાવી હોય ! તેમાં શ્વેત વસ્ત્રોમાં ગુરૂહરિ સહુ ભક્તોની રાહ જોઈ મલકતો આવકાર આપી રહ્યા હોય ! તેવા અલૌકિક દર્શન કરી દર્શનાર્થી નાનકડી સુંદર બે ડબ્બી લઈને જાણે આવેલ હોય તેમાં બિરાજમાન કરતા હતા.

 

૧. હ્રદયરૂપી ડબ્બી મનમંદિર મધ્યે દરેકની હોય તેમાં. ૨. બીજી આધુનિક કેમેરો (મોબાઈલ) રૂપી ડબ્બીમાં પૂરી દર્શન વારંવાર કરે અને દૂર વસતા સ્વજનને પણ તરત કરાવી ધન્યતા અનુભવે છે. દર્શનાર્થી ત્યાગી-ગૃહી આવા આશ્રિત ભક્તોનું જગત જ આ છે, જીવન જ પ્રભુ અને ભક્તો છે. એવા ભક્તોને નમન છે. આજે ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્ય પ્રર્વે શાશ્વત ધામે દર્શને ગુણાતીત સમાજના ચારેય પાંખાળા ભક્તો પધાર્યા હતા. સર્વે સંતોના પ્રતીક રૂપે હરિધામ-કંથારિયા પપ્પાજી તીર્થના સંતોએ ભેગા મળી પ્રાર્થના અને પુષ્પો ધર્યાં હતાં.

 

અનુપમ મિશન મોગરીથી સાહેબજી સ્વરૂપો પૂ.રતિકાકા, પૂ.પૂનમભાઈ, પૂ.દિલીપભાઈના સાંનિધ્યે સહુ વ્રતધારી ભાઈઓએ દર્શન-પ્રાર્થના-પુષ્પાર્પણ કર્યું હતું. ગૃહસ્થ મુક્તો તા.૧, ૨, ૩ સપ્ટે. દરમ્યાન વારાફરતી અનુકૂળતાએ અને જ્યોતના બહેનોએ આગળ ઉપર લખ્યા મુજબ પપ્પાજી તીર્થ પર આવી શાશ્વત ધામે દર્શન-પ્રાર્થના-પ્રદક્ષિણાનો લાભ લીધો હતો. અહીં જે કોઈ પધારે છે અને મનની વાત મનોમન પપ્પાજી સમક્ષ કરે છે તેની પ્રાર્થના પપ્પાજી સાંભળી ધન્ય કરે છે. એવા સાકાર સ્વરૂપ હે ગુરૂહરિ પપ્પાજી ! ૧લી સપ્ટેમ્બરના આખા સમાજના આબાલ વૃધ્ધ સહુ મુક્તોના દૂર વસતા સહુ કોઈ સંબંધવાળાના આપને પાયલાગણ સહ જય સ્વામિનારાયણ !

 

(૨) તા.૨/૯/૧૭ શનિવાર પ.પૂ.બેન સ્વરૂપાનુભૂતિ દિન

 

 

આજે સવારે ૮.૦૦ થી ૯.૩૦ જ્યોતનાં બહેનો પપ્પાજી તીર્થ પર શાશ્વત ધામે ધૂન-પ્રાર્થના-પ્રદક્ષિણા માટે ગયાં હતાં. ગુણાતીત સ્વરૂપ પ.પૂ.બેનના ૫૫મા સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણી આજે સાંજે ૪.૩૦ થી ૭.૩૦ પપ્પાજી હૉલમાં સંયુક્ત સભામાં ખૂબ ઉમદા રીતે થઈ હતી.

 

વરસાદની સીઝન હોવા છતાંય ગામોગામથી હરિભક્તો સમૈયો કરવા સહકુટુંબ પધાર્યા હતા. ખૂબ સુંદર સુશોભનમાં સ્વરૂપો સ્ટેજ પર બિરાજમાન હતાં. ખૂબ દિવ્ય દિવ્ય બધું લાગતું હતું. આ બધા ભક્તોને પ.પૂ.બેને ગુરૂહરિ પપ્પાજીનો અપાર મહિમા ગાઈને સ્વરૂપની પિછાણ કરાવી છે. તેવા નક્કર અનુભવ સત્યોની ગોષ્ટી વાતો દરેક દિલમાંથી મુખમાંથી વહેતી હતી. એટલે આજે સમૈયાની સાથે જાણે શિબિર પણ થઈ હોય તેવું સૌને અનુભવાતું હતું.

 

 

પ.પૂ.બેનની આધ્યાત્મિક પિછાણ તો આપણને સહુનેય છે. લોકમાં જે સ્થિતિને પૂર્ણાહુતિ માને છે એવાં ઐશ્વર્યવાન પ.પૂ.બેને સાધુતા પ્રાપ્ત કરવાનો આદર્શ આપ્યો. ગુરૂહરિ પપ્પાજીનું ભવ્ય કાર્ય એટલે ગુણાતીત સ્વરૂપ પ.પૂ.બેન. ખરેખર સાધુ હોય તે જ સાધુ બનાવે. એવા પ.પૂ.બેનનું સ્વાગત પુષ્પહારથી કર્યું. ગુણાતીત સમાજ વતી પૂ.ધર્મેશભાઈ, પૂ.વર્ષાબેન પટેલ (સુરતે) ગુરૂહરિ પપ્પાજી અને પ.પૂ.બેનને હાર અર્પણ કર્યો. ગુણાતીત જ્યોતનાં બહેનો અને પરદેશના હરિભક્તો વતી પૂ.અવિનાબેન સાકરિયા અને પૂ.પ્રવિણાબેન ડઢાણિયાએ હાર અર્પણ કર્યા. ગુણાતીત પ્રકાશ ભાઈઓ વતી પૂ.રાજુભાઈ (સુરતે) પ.પૂ.બેનને હાર અર્પણ કર્યો. ત્યારબાદ પૂ.શ્રધ્ધાબેન મહીડા (ગુણાતીત જ્યોત) રચિત ભજન “મારે માટે બેનનું જીવન…” ગવાયું. પછી માહાત્મ્યગાન થયાં. આજની સભાનાં દર્શન-શ્રવણનો વેબસાઈટ પર આપે લાભ લીધો હશે. તેથી માહાત્મ્યગાનના પ્રવચનોની ગોષ્ટિ અહીં લખવાને બદલે વિરમું છું.

 

વળી, આજે બીજો શુભ દિવસ એ કે આજે જળઝીલણી એકાદશી હતી. વર્ષાઋતુની સીઝન બાદ નદી-નાળાં છલકાઈ ગયાં હોય તેમાં ભગવાનને જળવિહાર કરાવવાનો. પંચામૃત હૉલમાં તેનું પણ ખૂબ સરસ ડેકોરેશન કર્યું હતું. ત્યાં નીલકંઠ વર્ણીની મૂર્તિ મૂકી હતી. અને તેના પર જલાભિષેક સહુ દર્શનાર્થી હરિભક્તોએ કર્યો હતો.

 

(૩) તા.૩/૯/૧૭ ગુરૂહરિ પપ્પાજી મહારાજનો ૧૦૧મો પ્રાગટ્ય દિન

 

 

ગુરૂહરિ પપ્પાજીના ૧૦૧મા પ્રાગટ્યદિનનો મુખ્ય સમૈયો ગુણાતીત જ્યોત વિદ્યાનગર ખાતે આજે સવારે ૯.૦૦ થી ૧૨.૦૦ પપ્પાજી હૉલમાં બહેનો-ભાઈઓની સંયુક્ત સભામાં ખૂબ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવાયો હતો.

 

વરસાદની સીઝન આગવી હોવા છતાંય તા.૧, ૨, ૩ સપ્ટે. શનિ-રવિ બે-ત્રણ દિવસ મેઘરાજાએ પણ ખમૈયા કર્યા હતા. અને સમગ્ર સૃષ્ટિએ શાંત વાતાવરણ અર્પી ભક્તોની સેવા કરી. જેનાથી અવાય તે ભક્તો ગુરૂહરિ પપ્પાજીનો સમૈયો ઉજવવા દોડીને આવી પહોંચ્યા હતા. ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્યે સૌને સ્વાગતો ભાવ અનેરો હતો. જેમાં અમદાવાદ મંડળના ભાઈઓએ ખૂબ સરસ રીતે સ્વાગત નૃત્ય કરી ગુરૂહરિ પપ્પાજીના ભવ્ય દર્શન કરાવ્યા. સુંદર મયુર રથ શણગારી તેમાં ગુરૂહરિ પપ્પાજીને બિરાજમાન કરીને સ્વાગત પથ પર જ નૃત્ય કરનાર ભૂલકાંઓ દ્વારા ગુરૂહરિ પપ્પાજીનું પૂજન કરી, હાર અર્પણ, જલાભિષેક, થાળ-આરતી કરી ભક્તિભાવેયુક્ત ગુરૂહરિ પપ્પાજીને સ્ટેજ સુધી લાવી ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ પણ ડાન્સમાં આવરી લઈને પૂ.અલ્પેશભાઈની પ્રેરણા અને પૂ.હેમંતભાઈ મોદી અને પ્રકાશ ભાઈઓના માર્ગદર્શન હેઠળ અલૌકિક સ્વાગત દર્શન સહુએ માણ્યું હતું. ખૂબ ખૂબ ધન્યવાદ !

 

 

આ દર્શન આપ સર્વએ વેબસાઈટ પર માણ્યું જ હશે. તેમજ સ્વરૂપો-મુક્તોએ જે દર્શન ગુરૂહરિ પપ્પાજીના જીવન કવનમાંથી અનુભવ પ્રસંગ સાથે સ્વવાણી દ્વારા કરાવ્યા. તેનું પણ આપે શ્રવણ કર્યું જ હશે. અથવા પત્રિકામાં પણ વાંચ્યું હશે. એમ આજના આ ઉત્સવમાં સહુને જાણે ગુરૂહરિ પપ્પાજીનું ઋણ ચૂકવવાનો ઊંડાણમાં ઉત્સાહ હોય, જાગ્રતતા હોય તેમના પરિશ્રમની નોંધ હોય. સહુનેય ગુરૂહરિ પપ્પાજીએ આધ્યાત્મિક પ્રગતિ કરાવી હોય તથા સહુની અંદરથી ર્દષ્ટિ કેવળ ગુરૂહરિ પપ્પાજી ભણી હોય તેવા દર્શનની આધ્યાત્મિક શિબિર જેવી અનુભૂતિ આજના સમૈયાના માહોલમાં થતી હતી.

 

(૪) તા.૧૧/૯/૧૭ ભાદરવા વદ-૬

 

 

આજે તો ગુરૂહરિ પપ્પાજી મહારાજનો તિથિ પ્રમાણે પ્રાગટ્યદિન. આજના દિવસની ઉજવણી પણ જ્યોતનાં બહેનો ખૂબ ભક્તિભાવથી ગુરૂહરિની સ્મૃતિમાં રહીને કરી હતી. સવારે બહેનોએ અક્ષર કુટિરમાં ગુરૂહરિ પપ્પાજીને અન્નકૂટ ધરાવ્યો હતો. ત્યારબાદ સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ અને સાંજે ૫.૦૦ થી ૭.૩૦ એમ બંને ટાઈમ સભા કરી હતી. આજની આ બંને સભામાં સદ્દગુરૂના ગ્રુપ વાઈઝ એક એક બહેને સ્મૃતિલાભ, અનુભવ દર્શન કે માહાત્મ્ય દર્શનમાં લાભ આપવાનો હતો. દરેક બહેનોએ ખૂબ અદ્દભૂત અનુભવ દર્શન અને માહાત્મ્યદર્શન કરાવ્યું હતું. સાંજે ૫.૦૦ વાગ્યે પ્રભુ પ્રાગટ્ય સમયે ૧૦૧ દીવાની આરતી કરી હતી. આમ, આજનો દિવસ પણ ખૂબ સ્મૃતિ સભર ભર્યો ભર્યો પસાર થયો હતો.

 

પપ્પાજી એટલે ગુણાતીત સમાજના પ્રાણાધાર, ઘણા પ્રભુધારક ગુરૂ સ્વરૂપો તૈયાર કર્યા,

 

બેન એટલે પ્રત્યક્ષ ગુરૂહરિ સાથે આત્મબુધ્ધિએયુક્ત જોડાઈ સાક્ષાત્કાર પામેલું સ્વરૂપ,

 

પપ્પાજીએ ગ્રહણ કર્યા એમના સંકલ્પમાં બધાય જીવનો ચાર્ટ દોરાઈ ગયો,

 

નૈમિષારણ્ય તીર્થસમ બેનનાં દર્શન, સ્પર્શન, પ્રસાદી, પરાવાણી પામી તેનાથી બેન દૂર નથી જ,

 

પપ્પાજીએ કહ્યું પ્રભુની મરજી વિના સૂકું પાંદડુંય હલતું નથી એવી ર્દઢ નિષ્ઠા રાખો,

 

એવી જ ર્દઢ નિષ્ઠાનું અદ્દભૂત સ્વરૂપ સંકલ્પરૂપી ચોકી મૂકી પ્રભુબંધનમાં રાખ્યા,

 

પપ્પાજીએ રાજી થઈ પ્રાર્થના સંકલ્પમાં ભળી બેનની પરાભક્તિને સ્વીકારી,

 

આજ દેશ-પરદેશમાં બેનનું દિવ્ય કાર્ય સૌરભ ફેલાવી રહ્યું છે તેનું દર્શન થાય છે,

 

પપ્પાજીને સંભારતાં થાય હાજર, બેનને સંભારતા થાય હાજર પપ્પા-બેન,

 

પપ્પાજી કહે આ બધું સહજ, સરળ, ઝડપી, બન્યું કેવી રીતે ?

 

એક પપ્પાજીની જ આજ્ઞા ‘મૂર્તિમાં જ ચડ-ઉતર કરી મૂર્તિરૂપ’, પપ્પાજીરૂપ બન્યા.

 

એવા પપ્પાજી ૧૦૧-૧૦૨ પર્વે , પ.પૂ.બેન અનુભૂતિ ૫૪-૫૫ પર્વે પ્રાર્થીએ…

 

“આપની જેમ સંબંધવાળાને માથાના મુગટ માની સેવા કરી લઈએ.”

 

 

આમ, આખું પખવાડીયું ખૂબ ભક્તિસભર સ્મૃતિ સાથે પસાર થયું હતું. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ ! રાજી રહેજો !

 

એ જ જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !

© gunatitjyot.org | Mobile version | Sitemap | Login